કેનેડાએ મોટી ભૂલ કરી, USએ લાદેન સાથે જે કર્યું એ જ, પૂર્વ અમેરિકન અધિકારીએ કાઢી ઝાટકણી

INDIA CANADA ON HARDIP SINGH NIJJAR: આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા કરવામાં આવેલા દાવાઓને લઈને પેન્ટાગનના ભૂતપૂર્વ કર્મચારી માઇકલ રુબિને બ્લિન્કેન પર વળતો પ્રહાર કર્યો હતો.

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેને ખાલિસ્તાની અલગાવવાદી આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા કરવામાં આવેલા દાવાઓનો આડકતરી રીતે ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અમેરિકા ‘આંતરરાષ્ટ્રીય દમન’ના કિસ્સાઓ અંગે સતર્ક છે. જેના પર હવે પેન્ટાગનના ભૂતપૂર્વ કર્મચારી માઇકલ રુબિને બ્લિન્કેન પર વળતો પ્રહાર કર્યો હતો.

બ્લિન્કેને ભારતને શુક્રવારે ચાલી રહેલી તપાસમાં સહકાર આપવા વિનંતી કરી હતી. પરંતુ આ વિષય પર સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. બ્લિન્કેને જણાવ્યું હતું કે, “કેનેડાના પીએમ ટ્રુડોએ જે આરોપો લગાવ્યા છે, તેનાથી અમે ખૂબ જ ચિંતિત છીએ. અમે અમારા કેનેડિયન સાથીદારો સાથે વાતચીત કરી રહ્યા છીએ અને આ મુદ્દા પર તેમની સાથે સંકલન સાધી રહ્યા છીએ. અમારી દ્રષ્ટિમાં તે જરૂરી છે કે કેનેડિયન તપાસ આગળ વધે.” તેમણે વધુમાં કહ્યું કે, “અમને આશા છે કે અમારા ભારતીય મિત્રો પણ આ તપાસમાં જરૂરી સહકાર આપશે.”

યુએસ સેક્રેટરીએ આગળ વાત કરતા જણાવ્યું કે, “કથિત આંતરરાષ્ટ્રીય દમનના કોઈપણ કિસ્સાઓ વિશે અમે ખૂબ જ સતર્ક છીએ અને તેને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ. આંતરરાષ્ટ્રીય તંત્ર માટે એ મહત્વનું છે કે કોઈપણ દેશ કે જે આવા કૃત્યોમાં સામેલ થવાનું વિચારે છે તે આવું ન કરે.”

ટ્રૂડોએ ભારત પર લગાવ્યા ગંભીર આરોપ

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે ભારત પર આરોપો લગાવ્યા હતા કે, ભારતે વેંકુવર નજીક જૂનમાં થયેલી ખાલિસ્તાની અલગાવવાદી-આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભૂમિકા ભજવી હતી. નિજ્જરને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા આતંકવાદને ભંડોળ પૂરું પાડવા અને હત્યાના કાવતરા માટે વોન્ટેડ જાહેર કરાયો હતો અને તેણે ખાલિસ્તાનને ભારતમાંથી અલગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કેનેડાએ એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને દેશમાંથી કાઢી મૂક્યા હતા. જેના વળતા જવાબ તરીકે ભારતે પણ કેનેડાના રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢીને તેના ડિપ્લોમેટીક સ્ટાફને ઘટાડીને વિઝા સેવાઓ બંધ કરી દીધી હતી.

જોકે પેન્ટાગનના ભૂતપૂર્વ અધિકારી અને અમેરિકન એન્ટરપ્રાઇઝ ઈન્સ્ટિટ્યૂટના સિનિયર ફેલો માઇકલ રુબિન બ્લિન્કનના આ નિવેદનથી થોડા નારાજ થયા હતા. તેમણે કેનેડિયન સરકારની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે “ટ્રુડો હિપમાંથી ગોળીબાર કરી રહ્યા છે”. તેણે એમ પણ કહ્યું કે, “નિજ્જરના હાથ લોહીથી રંગાયેલા છે અને તે માત્ર પ્લમ્બર નથી, કારણ કે કેનેડા આવો દાવો કરી રહ્યું છે.” રુબિને જણાવ્યું હતું કે, “ઓસામા બિન લાદેન કન્સ્ટ્રક્શન એન્જિનિયર હતો, તો હરદીપસિંહ નિજ્જર માત્ર પ્લમ્બર નહોતો. અનેક હુમલાઓમાં તેના હાથ સામેલ હતા.”

ટ્રૂડોએ કરી છે મોટી ભૂલ– રુબિન

રુબિને ટ્રૂડોને આડે હાથ લેતા જણાવ્યું કે, “કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ મોટી ભૂલ કરી છે. તેમણે એવા આક્ષેપો કર્યા છે, જ્યાંથી તેઓ પાછા ફરી શકતા નથી. અહીં બે શક્યતાઓ છે, કાં તો તેઓ હિપ ફાયરિંગ કરી રહ્યા હતા અને તેણે ભારત સરકાર સામે કરેલા આક્ષેપોને સાચા પૂરવાર કરવા માટે તેની પાસે પર્યાપ્ત પુરાવા નથી.” રુબિને વધુમાં સવાલ કર્યો હતો કે, ટ્રૂડો જણાવે કે, કેનેડા શા માટે આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે.

Leave a Comment